ગુરૂ વંદના
જીવનમાં ગુરૂનું મહત્વ ખૂબ જ છે. માત્ર સનાતન ધર્મમાં જ નહીં પરંતું વિશ્વના
તમામ ધર્મોમાં ગુરૂને જીવનના સર્વોચ્ચ પદે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. ગુરુ વગરના
માણસને નગુરો કહીએ તો પણ ઓછું અંકાય છે.
મારા
અત્યાર સુધીના આ અલ્પ આયુષ્યમાં મેં પણ એક સમયે ઘોર અંધકારનો અનુભવ કરેલ છે. એક
સમય એવો પણ હતો કે, હું મારા જીવનની શરૂઆતમાં જીવનથી હતાશ થઇ ગયેલ હતો. મળેલ
નિષ્ફળતાઓથી સાવ ભાંગી ચૂક્યો હતો. શહેરની કોઇ પ્રતિષ્ઠિત શાળા આવા નિષ્ફળ
વિદ્યાર્થીને પોતાની શાળામાં પ્રવેશ આપવા તૈયાર ન હતી તેવા સમયે મારા જીવનમાં ત્રણ
ગુરૂજનોના પ્રવેશથી આજે હું આપ સૌની વચ્ચે સન્માનથી જીવી શકું છું. મારા પ્રથમ
ગુરુ પદે મારી જનની મારી માતા છે. જે શિક્ષિકા હતી. આ ઉપરાંત આજ દિન પર્યન્ત તે
મારી કાળજી રાખી રહી છે. મને શાળા જીવનનો અને વાસ્તવિક જીવનનો એકડો શિખવનાર મારી
માતા મારી ગુરૂપદે બિરાજમાન છે.
મિત્રો હું કિશોરાવસ્થા દરમિયાન
કેટલીક ખરાબ કુટેવોથી ઘેરાઇ ગયો હતો, આ કારણે
મારું પરીણામ સતત નબળું જ આવતું હતું. અને એક સમય એવો જ આવ્યો કે હું નિષ્ફળતાનો
પર્યાય પણ બની ગયો. સતત લોકોના મ્હેણાંથી કંટાળી જીવનના અંત કરવા સુધીનો પણ વિચાર
કરતો. કશું જ સૂજતું ન હતું. તેવા વખતે કુદરતે મારા પર અનુકંપા કરી. મને હજુ બરાબર
યાદ છે કે, મહેસાણાના મોઢેરા
નગરમાં રહેતાં સવિતાબેન અને બાબુભાઇ સાહેબના ઘેર મારા જીવન અને ઘડિયાળના અંધકારના
સમયે હું તથા મારી મમ્મી તેઓને મળવા ગયા. કદાચ મારા પૂર્વજન્મોના સંચિત કર્મોના કારણે
મારા ત્રણેય ગુરૂઓ એક સાથે સાથે મળ્યા હશે. મને મહેસાણાની ગાયત્રી વિદ્યાલયમાં
પ્રવાહ બદલવાની શરતે પ્રવેશ મળ્યો. ધોરણ 11માં મારી શાળાના આચાર્યશ્રી બાબુભાઇ
સાહેબ હતા અને ધોરણ 12માં આચાર્ય તરીકે તેમના ધર્મપત્ની સવિતાબેન અમારા આચાર્યશ્રી
તરીકે હતા. આ બંન્ને ગુરૂજીઓએ મારામાં નવિન ચેતના અને દીપક પ્રજ્જવલીત કરવાનું
કાર્ય કર્યું. ત્યારબાદ આમના વિશ્વાસના કારણે જ હું વર્ષ 2002માં નિષ્ફળ
વિદ્યાર્થીમાંથી મહેસાણા જિલ્લાના પ્રથમ ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓમાં આવ્યો.
ત્યારબાદ પ્રથમવર્ષ બી.કોમ.માં પણ પ્રથમ
રહ્યો. આજે હું આપની વચ્ચે જે પણ સ્થિતિમાં છું
તે આ ત્રણ ગુરુજનોના પ્રકાશથી જ છું.
માત્ર હું જ નહીં મારા જેવા તો અનેક ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને આ ગુરૂજીઓએ
આશ્રય આપ્યો છે. અનેક શિક્ષકોને તેમણે પોતાની સંસ્થાઓમાં રોજગારી આપી છે. અસંખ્ય
લોકોના ઘરોમાં આમના કારણે જ ચૂલો પ્રજ્જવલિત રહેલો છે.
આજે મારા બંન્ને ગુરૂજી સવિતાબેન અને
બાબુભાઇ સાહેબનું ‘જીવનપર્વની’ ઉજવણી તેમના માદરે વતન વાલમ મુકામે
હતી. આજે મને તેમના સન્માન સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ ક્ષણ એવી હતી કે મારા જીવનનો એ
અંધકાર અને સંઘર્ષનો સમય મને પુન: સ્મરણ થઇ આવ્યો. “જો જીવનમાં ગુરુ ન આવે તો
સંપૂર્ણ જીવન લઘુ થઇ જાય.” પરમાત્મા મારા ગુરૂજીને નિરોગીમય દીર્ઘાયુષ્ય અર્પે અવી
વંદના
ગુરુ ચરણોમાં અર્પણ- આપનો મૌલિક
0 Comments