માતૃત્વની અમૃત વાર્તા : "ધ રામબાઈ"
ઉનાળુ વેકેશન નજીકમાં હતું . દર વખતની જેમ મારા આધ્યાત્મિક મિત્ર જિજ્ઞેશભાઈ દવેએ મને આ રજાઓમાં વાંચવા માટે કેટલાક અદ્ભુત પુસ્તકો તેમની શાળાની લાઇબ્રેરીમાંથી આપ્યાં.
આમાંનું એક પુસ્તક મને અત્યંત સ્પર્શી ગયું — ‘ધ રામબાઈ’!
પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈને જ મને પ્રથમ આકર્ષણ થયું, કારણ કે મારી મમ્મીનું નામ પણ રામબાઈ છે. ઘરની રીત પ્રમાણે મમ્મીએ પણ આ પુસ્તક પહેલાં વાંચ્યું અને પછી મને કહ્યું, “ખૂબ જ સરસ પુસ્તક છે, તને વાંચવામાં ઘણી મજા આવશે.”
આ નવલકથાના લેખક જીતેશ દોંગા એક યુવા અને પ્રતિભાશાળી લેખક છે. તેમની શબ્દસરિતા અને વર્ણનશક્તિ એટલી અદ્ભુત છે કે વાંચતી વખતે લાગે છે કે રામબાઈ જાતે જ તમને પોતાની વાર્તા કહી રહી છે. દરેક દૃશ્ય આંખ સામે સજીવ થઈ જાય છે.
જાણીતા રેડિયો જોકી દેવકીના શબ્દોમાં કહું તો,
“દરેકે જીવનમાં અચૂક વાંચવા અને વસાવવા લાયક અદ્ભુત નવલકથા છે આ.”
પુસ્તકમાં રહેલી ઘટનાઓ અને પ્રસંગો અહીં કહીને હું તેનું મૂલ્ય ઘટાડવા માંગતો નથી. પરંતુ એક વાતની મને પૂરેપૂરી ખાતરી છે — જ્યારે તમે આ નવલકથાના ૮૮મા પ્રકરણ સુધી પહોંચશો, ત્યારે તમારા હૃદયમાં પણ આ ગામડાની રામબાઈ ‘ધ રામબાઈ’ બની જશે.
જાણે તે તમારી પોતાની માતા હોય તેવી લાગણી તમને ઘેરી લેશે. આ નવલકથા તમને માતૃત્વની ભાવના પ્રત્યે અપાર કૃતજ્ઞતાથી રડાવી મૂકશે.
મારી એક હાર્દિક ભલામણ છે કે, " જો તમે એક એવી વાર્તા વાંચવા માંગતા હો કે જે તમારા હૃદયને સ્પર્શી જાય, તો ‘ધ રામબાઈ’ અવશ્ય વાંચજો.!!!"



0 Comments