મીઠુડી બહેન !!!
શાળાની મુલાકાતો દરમિયાન આપણને એવા કેટલાક દ્રષ્ટાંતો નજરે પડે છે, જે જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે.
થોડા સમય પહેલાં, સવારની પાળીમાં ચાલતી એક શાળાની મુલાકાત લીધી હતી.
વર્ગખંડ અને શાળાનું અવલોકન કર્યા પછી, મધ્યાહન ભોજનનો સમય થતાં, મેં બાળકો સાથે ભોજન કર્યું.
ભોજનની ગુણવત્તા ચકાસીને જ્યારે હું બાળકોની પંગત જોઈ રહ્યો હતો, આજે ભોજનમાં દાળ-ભાત હતા.
શાળાના મધ્યાહન ભોજન સંચાલક અને રસોઈયા-હેલ્પર બાળકોને સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા.
આજના ભોજનની સોડમ એટલી સુંદર હતી કે મોઢામાં પાણી આવી જાય.
તે દરમિયાન, ધોરણ 2ની તે દીકરીએ થાળી લીધી ન હતી અને ડબ્બામાં દાળ-ભાત લઈને ડબ્બો બંધ કરી પંગતમાં જમ્યા વગર શાંતિથી બેઠી હતી.
મેં તેની પાસે જઈને પૂછ્યું, "કેમ બેટા જમતી નથી?" તેણે કોઈ જવાબ ન આપ્યો.
મેં ત્રણ-ચાર વાર પૂછ્યું, પછી તે થોડી ગભરાઈ અને ધીમેથી કહ્યું, "મારા નાના ભાઈ માટે લીધું છે!!!" મેં તેને પૂછ્યું કે ભાઈ શું કરે છે, તો તેણે કહ્યું કે ઘરે જ છે, હજુ આંગણવાડીમાં છે, અને મમ્મી ખેતરે જાય એટલે મોડા ઘરે આવે છે. "હું શાળામાંથી છુટીને ઘરે જઈને તેને ખાવા આપીશ!"
મેં કહ્યું, "પણ તને ભૂખ લાગતી નથી? બધા છોકરા ખાય છે, તો તને ખાવાનું મન થતું નથી?" દીકરીએ મૌનથી જવાબ આપ્યો.
સંચાલક બહેન ખૂબ માયાળુ અને બાળકો પ્રત્યે લાગણી ધરાવતા હતા.
તેમણે તરત જ દીકરીને બીજી ડીશ બનાવીને આપી અને કહ્યું, "હવેથી તારે డબ્બામાં ઘરે પણ લઈ જવાનું અને અહીંયાં પણ ભોજન કરવાનું છે."
અત્યારે સામાન્ય જમીનના ટુકડા અથવા ધાતુના ટુકડાઓ માટે ભાઈ-ભાઈ, ભાઈ-ભાંડુઓ વચ્ચે હત્યાના બનાવો છાપાઓમાં વિશાળ જગ્યા રોકે છે.
તેવા સમયમાં પ્રાથમિક શાળાની અબુધ દીકરી પ્રેમનો કેટલો મોટો સંદેશ આપી જાય છે !!!!!
સંકલન - મૌલિક પટેલ

0 Comments