Subscribe Us

Header Ads

વાહ...... ગુરૂજી!!!!!!!!

 વાહ...... ગુરૂજી!!!!!!!!

શિક્ષક એટલે સંવેદનાની યુનિવર્સીટી.પોતાના નાના વર્ગખંડમાં બાળકને બ્રહ્માંડનું દર્શન કરાવનાર શક્તિ એટલે શિક્ષક .પ્રાથમિક શાળાઓમાં એવા તો કેટલાયે સંત સમાન ગુરૂજીઓ કાર્યો કરી રહ્યા છે જેમનાં કાર્યો આપણને તેમને સાંભળવા મોહિત કરી દેતા હોય છે. આવા જ એક શિક્ષકત્વની સુવાસ પ્રસાવનાર ગુરૂજી સાથે આપનો પરિચય કરાવવા જઈ રહ્યો છું.
થોડા દિવસ અગાઉ ક્લસ્ટરનાં બાળકોના વિદ્યાર્થી દર્પણ લેવા માટે પાટણ તાલુકાની ગુમડા મસ્જીદ શાળામાં જવાનું થયું. પુસ્તિકાઓ ગાડીમાં મૂકતો હતો ત્યાં એક બેંચ પર ધોરણ ૧ અને ૨ નાં બાળકો માટેના ચાર્ટ્સ જોવા મળ્યા. ચાર્ટ્સનાં ચિત્રો તેમાં પૂરેલ રંગો તથા તેમાં લખેલી વાર્તાઓ એટલી તો રસપ્રદ લાગી કે આ બેચ પર બેસીને તમામ ચાર્ટ્સ એક જ બેઠકે વાંચી ગયો. અને આ ચાર્ટ્સનાં સર્જકને મળવાની મારી એ દિવસની ખોજ શરૂ થઇ....
શાળાના આચાર્યશ્રી સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ સ્વનિર્મિત ટી.એલ.એમ. હંસાબેન પરમાર નામના ગુરૂજીએ બનાવેલ છે, ને હું હંસાબેનને મળવા અધીરો બની ગયો.......
હંસાબેનનો રૂમ એટલે એક જીવતી જાગતી બાળ યુનિવર્સીટી!!!!!!!.વર્ગની દરેક દીવાલ બોલાતી અને આપણને કઈક નવું શીખવતી હોય એવી લાગે. પ્રજ્ઞા વર્ગખંડ અંતર્ગત તમામ શૈક્ષણિક મુદ્દાના ટી.એલ.એમ. આપણને જોવા મળે. ગુજરાત સમાચારે જ્યારથી શનિવારની પૂર્તિ તરીકે ‘ઝગમગ’ નામનું સાપ્તાહિક શરૂ કરેલ ત્યારથી આજ દિન સુધીના તમામ અંકની કાર્ટુન કથાઓ હાર્ડચાર્ટ પેપર પર પેસ્ટ કરી લેમીનેટેડ કરેલ આપણને મળે .બાળકોને આ સંદર્ભ સાહિત્ય વાંચવું અને જોવું ગમે તેવું છે.
બેનને કમ્યુટર પર હથોટી ન હોવા છતાં તેમના વર્ગના બાળકો માટે તેઓ ચિત્રો જાતે દોરી અંક તથા પ્રશ્નપત્ર બનાવે. તેની ઝેરોક્ષ દરેક બાળકને આપે.ગુરૂજીએ લોક ડાઉન દરમિયાન સુંદર સચિત્ર બાળપોથી બનાવી દરેક બાળકને પહોચતી કરી છે. વર્ગમાં એવો એક પણ ખૂણો કે ખાલી જગ્યા ન હતી કે જ્યાંથી આપણે શીખ્યા વગર રહી શકીએ!!!!!!
બાળકોને અભિનય ગીત કરાવવા માટેના મૂઘટ, ઘરેણાઓ તથા વસ્ત્રો પણ તેમણે જાતે બનાવ્યા છે. આ ઉપરાંત “જેમ એક વેપારી પાસે રહેલ ઉત્તમ પ્રકારના માલની તે ગ્રાહક આગળ ગર્વથી વાત કરતો હોય તેમ ગુરૂજી પોતાના વિધ્યાર્થીનીઓની સફલાતાઓની મારી આગળ વાત કરતા ગયા”.
જ્યારે મેં જાણ્યું કે બેન આ ૩૧ મી ઓક્ટોબરના રોજ નિવૃત થવાના છે ત્યારે તેમના પ્રત્યેની દ્રષ્ટી અહોભાવમાં બદલાઈ ગઈ. " કોઈ ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો હોય અને મંજિલ નજીક આવી જાય ત્યારે એક્સીલેટર છોડી ન્યૂટનમા જ રગડાવીને પહોચતો હોય છે" . ત્યારે અહી તો આ ગુરૂજીની પાસે તો શિક્ષકના વ્યવસાયનો હવે માત્ર કલાકોમા જ સમય બચ્યો હોવા છતાં જીવ પરોવીને કામ કરતા જોવા મળ્યા. તેઓ આજે જે ચિત્રો દોરીને બાળકો માટે લાવ્યા હતા તે ચિત્રો જ્યારે બાળકો જોશે ત્યારે તો આ ગુરૂજી નિવૃત પણ થઇ ગયા હશે . આ વાતની ખબર હોવા છતાં કામ કરતા જ જાય છે.
પાંડુરંગ દાદાનાં ભાવગીતોની પંક્તિ છે.
“ ઉઠ,ઉભો થા ,આગળ આવી જા.....,
તકદીરનો ભરોષો ના ,તું તકદીર બનીજા.........”
આ ભાવગીતની પંક્તિને આવા ગુરૂજીઓ જ સાર્થક કરતા હોય એવું લાગી રહ્યું છે.
હાલના સમયમાં આ વૈશ્વિક બીમારીએ વાતાવરણમાં અસર પ્રસરાવી છે કે આપણા માનસમાં તે હજુ પણ આપણે નક્કી કરી શકતા નથી. બધું કરી શકવા સામર્થવાન હોવા છતાં કોઈ નથી કરતુ એટલે મારે ન કરવું જોઈએ એવી દુર્ભાવાનાનો અજગર ભરડો ભરીને આપણને પ્રત્યેક પળે ગળી રહ્યો છે. ત્યારે આવા સમયે હંસાબેન જેવા નિવૃત્તિ સાગરના કિનારે પહોચેલા ગુરૂજીઓના કાર્યોને જોઈ કાવ્ય રચાઈ જાય
એક આથમતા જતા સૂરજે અમસ્તું કહ્યું ,,,,
હવે હું આથમું ,પણ ઉજાશ નું શું!!!!!!!
ત્યાં તો ઝુંપડીનાં ખૂણાના કોડીયુ સળવળ્યું ,
છે જ્યાં સુધી તેલ મુજમાં ,ત્યાં લગી તો અંધાકર ઉલેચુ !!!!!!!
હંસાબેન જેવા કર્મઠ ગુરૂજીઓ વિષે જ્યારે જાણવા અને આવા ગુરૂજીઓને મળવાનું થવાય છે ત્યારે ચોક્કસથી કહેવાઈ જવાય વાહ........ગુરૂજી!!!!!
સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments