Subscribe Us

Header Ads

મંથરા અને વિભિષણ


                                                              મંથરા અને વિભિષણ
          જીવન એ સતત વહેતી સરિતા છે. એ ક્યારેક ઝરણું બની ઉછળકૂદ કરતું હોય છે તો ક્યારેક પતિતપાવની બની લોકોને સંત્રુપ્ત કરાવતું હોય છે અને જીવનના અંતિમ પડાવમાં સાગરમાં મળીને અસ્તિત્વ ઓગાળી મોક્ષત્વ પ્રાપ્ત કરે  છે.જેમ દૂધના પ્રત્યેક ટીંપામાં ઘી અને ફૂલના પ્રત્યેક રસમાં મધનો અંશ રહેલ છે તેમ માનવ જીવમાં ઇશ્વરનોજ અંશ છે જ.
       વાત છે  મંથરાની,સમગ્ર વિશ્વ જ્યારે રામ રસનુંપાન કરતું હોય.રામ નામનો ધોધ અસ્ખલિત વરસતો હોય ત્યારે આ ધોધની વચ્ચે રહેલું મંથરાનું પાત્ર આ મેઘામાં પણ પલળ્યા વગર કોરું કેવી રીતે રહી જતું હશે!!!!  મંથરાનું પાત્ર પણ આપણને ધર્મની શીખ આપવા માટે જ સર્જાયેલું હોવું જોઇએ.મારી દ્રષ્ટીએ ધર્મ એટલે સંપ્રદાયનો વાડો એવો સિમિત અર્થ નથી.જેમ અમરત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિનું મ્રુત્યુ હોતું નથી તેમ આ મંથરા એ આટલા વર્ષો બાદ પણ આપણા મનમાં વિચારરૂપી બિજ દ્વારા કદાચ જીવિત હોઇ  શકે.મારી આસપાસ કોઇ વ્યક્તિ દુનિયાદારીની રીતથી થોડું અલગ કરવા પ્રયત્ન કરે અને જો આસપાસના લોકો તેની પ્રસંશા કરે તો મારામાં રહેલી પેલી મંથરાની શક્તિ પુન:સજીવન થઇ જાય. અરે નવી બાબતનું રસપાન કરવાનું હોય,તેમાં ડૂબકી મારી જ્ઞાન સાગરમાં હલેસાં મારવાનો આનંદ લેવાની જગ્યાએ આપણે માત્ર એટલી જ જગ્યાએ રોકાઇ જઇએ છીએ કે આ શોધ પેલાએ કરી છે અને મને તે ગમતો નથી.જ્ઞાન એ ગુઢ બાબત છે પણ જ્ઞાનનો પ્રકાશ પથરાતો હોવા છતાં તેને ન જોવા માટે આંખો બંધ કરી દેવી એ નકરી મૂર્ખતા જ ગણાય.
      અન્ય એક પાત્ર પણ માનસમાં વિચારરૂપી બિજ દ્વારા જીવંત હોય છે અને તે છે વિભિષણ.અસત્ય અને પ્રપંચની  કાદવગ્રસ્ત નગરીમાં પણ એક સદાવ્રતી પાત્ર એટલે વિભિષણ. કાજળની કોટડીમાં પણ શ્વેતાંબરધારી મહાત્મા એટલે વિભિષણ.આ પાત્ર પણ આપણાં જ મનમાં અમરત્વ ધારણ કરીને સચવાયેલ છે.
     ક્ષિરનિરનો વિવેક માત્ર હંસ જ નથી કરતો. વિચારો અને આચરણનો ક્ષિરનિર વિવેક કરી આપણે આપણી જાતને મંથરા બનતાં બચાવતાં શીખવું પડશે.હું  અન્ય વ્યક્તિને પણ સાંભળી શકું તેવી શક્તિ કેળવવી જ જોઇએ.આ રવિવારના દિવ્ય ભાસ્કરની સાપ્તાહિક પૂર્તિનું એક વાક્ય દિલમાં ચોંટી ગયું:દરેક ગામમાં ઓટલો તો હોય જ મોટા ભાગે આ ઓટલાને પંચાયતનો ઓટલો જ કહેવામાં આવે છે ,આપણે આ પંચાતના ઓટલાને અલખનો ઓટલો બનાવવો જોઇએ.
-       મૌલિક પટેલ


Post a Comment

0 Comments