Subscribe Us

Header Ads

વાહ ગુરૂજી!!!!!

વાહ ગુરૂજી!!!!!!!!
(*આજની આ વાત એ મારું પોતાનું સર્જન નથી પરંતુ કોઈ અજ્ઞાત લેખકે લખેલી જેને મારા મિત્ર દીપકભાઈ એ મને કહી તે આપની સમક્ષ હું માત્ર રજૂ કરું છું)

મનજી વિઠ્ઠલ નાવડિયા ઉમર વર્ષ ૬૨!!

હાથમાં એક નાની લાકડી!! એક ખાદીનો બગલથેલો!! ખાદીની એક કફની અને લેંઘો પહેરેલ.જીલ્લા સેવા સદનના બગીચામાં આવેલ એક બાંકડા પર બેઠા બેઠા ચશ્માં લગાવીને અત્યારે જ લીધેલું એક છાપું વાંચી રહ્યા હતા. સવારના સાડા દસ થયા છે. જીલ્લા સેવા સદનમાં ચહલ પહલ વધતી જાય છે. બગીચામાં બે સફાઈ કામદારો સફાઈ કરી રહ્યા છે. દૂર એક ખૂણામાં એક વ્યક્તિ લોનને પાણી પાઈ રહ્યો છે. સેવા સદનની બહાર એક શેરડીના ચિચોડા વાળો અને પડખે જ આવેલી ચા અને પાનની કેન્ટીન પર જીલ્લા સેવા સદનમાં કામ કરતા કર્મચારીઓ આવતા જાય એમ ટોળે વળતા જાય છે. બે ત્રણ છાપામાં સમાચાર વાંચતા કેટલાક બેઠા હતા. ઘણા કર્મચારીઓના ગલોફામાં તમાકુના માવા ભરેલા છે બાજુમાં જ એક ખુલ્લી જગ્યા થૂંકી થૂંકીને લાલચોળ થઇ ગઈ છે. અમુક કર્મચારીઓ મોઢામાં સળગતું મોત એવી સિગારેટ અને બીડીને ભરપુર ખેંચીને ખેંચીને આસ્વાદ માણી રહ્યા છે . એની પડખે એક થાંભલો એની ઉપર એક સેવા સદન આરોગ્ય વિભાગનું એક મોટું બેનર લટકેલું છે. બેનરમાં લખેલું છે!!!
“જીવન પસંદ કરો અથવા તમાકુ”
“તમાકુ પ્રતિબંધિત વિસ્તાર જીલ્લા સેવા સદન – જનહિતમાં જારી”
મનજી વિઠ્ઠલ નાવડિયા આ બધું જોતા જોતા છાપામાં ધ્યાન પરોવી રહ્યા છે.
અગિયાર વાગ્યા અને તે સેવાસદનના પગથીયા ચડવા લાગ્યા. પહેલી વાર આવ્યા ત્યારે ઓફીસ ગોતવી પડી હતી. પણ હવે આ સાતમો ધક્કો હતો એટલે એના પગ પગથીયાથી ટેવાઈ ગયા હતા!! ચોથા માળે તે લોબીમાં પહોંચ્યા અને છેલ્લા ખૂણામાં બે જણા કશીક ચર્ચા કરતા હતા. મનજી વિઠ્ઠલ ને જોયા એટલે બે ય ઓફિસમાં જતા રહ્યા અને અંદર જઈને વધામણી ખાધી!!
“દવે દિવસ સુધરી ગયો.. મનજી વિઠ્ઠલ મોટી વિકેટ આવે છે!! સત્સંગ માટે તૈયાર થઇ જાવ”
“શું વાત છે ભટ્ટ.. મારો બટ્ટો તારીખનો પાકો છે.. આવા રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય એવા આંગળીને વેઢે ગણાય એવા બહુ ઓછા બચ્યા છે. આવવા દો એને આજેય ધક્કો જ છે..ડીપીઈઓ સાહેબ તો આજે શિક્ષણ મંત્રીની ટેલી કોન્ફરન્સમાં સભા ખંડમાં છે અને નાયબ ડીપીઈઓ પણ આજે ઇનોવેશન ફેરમાં જવાના છે. આજે પણ મનજી વિઠ્ઠલ નાવડિયાને ધક્કો જ છે”
મનજી વિઠ્ઠલ પ્રવેશ દ્વારના બાંકડા પાસે બેઠા. એક ચબરખી કાઢી પોતાનું નામ લખ્યું. પટાવાળા બેનને આપ્યું અને અંદર આપવા જણાવ્યું. થોડી વાર પછી એમને અંદર આવવાનું કહ્યું. પ્રવેશદ્વારની જમણી સાઈડ એક ચેમ્બર હતી એની પર એક બોર્ડ લટકતું હતું.
“@#* ગા#ીત”
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી.

પ્રવેશ દ્વારની સામે જ એક કાચની એક અર્ધ કેબીન હતી. તેની પર તકતી હતી.
“સી @# પટ*લ” નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી.
ઓરડામાં બેય સાઈડ ટેબલ હતા. બધા ટેબલની ઉપર એક એક પ્રીઝમ આકારનું એક લાકડું હતું એની પર અલગ અલગ નામ લખ્યા હતા. “ સીનીયર ક્લાર્ક, બદલી વિભાગ, ઇન વર્ડ, એસ્ટા, આંકડા,પગાર અને પેન્શન!! વગેરે વગેરે!!

“હું બેસી શકું સાહેબ??” દવે ની ખુરશી આગળ અદબપૂર્વક મનજી વિઠ્ઠલ ઉભા રહ્યા. દવે પેન્શનનું કામ સંભાળતો હતો. જવાબમાં દવે એ આંગળી ચીંધી ખુરશી તરફ અને મનજી વિઠ્ઠલ બોલ્યા.
“કેટલેક પહોંચ્યું મારા પેન્શનનું”?

“ આજે સ્ટાફ ઓછો છે અને બને સાહેબો બહાર ગયા છે. ઓઝા પણ આજે એક જગ્યાએ જમવા ગયો છે. રાઠોડને ઘરે સીમંતનો પ્રસંગ છે એટલે એ તો જાણે ચાર વાગ્યે આવશે. થોડી પૂર્તતા બાકી છે એટલે હજુ પંદર દિવસ લાગશે.. જોશી પણ હજુ આવ્યો નથી નહીતર પણ એની પાસે પૂર્તતા કરાવી લેત..પેન્શન શરુ તો થઇ જશે પણ થોડી વાર લાગશે!!”
“થોડી વાર થોડી વાર કરતા ચાર વરસ વીતી ગયા છે સાહેબ!! મારી પછી નિવૃત થનારા તમામના પેન્શન કેસ અને બધું ક્યારનુય પતી ગયું છે. ફક્ત મારું જ બાકી રહી ગયું છે. તમે અત્યારે જોઈ લો ને પૂર્તતા કરી આપોને તો મારે ધક્કા ખાવા મટે”
“અમે અહી કામ કરવા જ બેઠા છીએ મનજીભાઈ!! બહાર મોટું બોર્ડ ના જોયું..”સેવા સદન”!! સેવા કરવા માટેનું જ આ સદન છે.. તમારી મેટર જ અમને મોડી મળી એમાં અમે શું કરી શકીએ!!?? એક વરસ તો તાલુકા વાળા એ ત્યાં રાખી અને દોઢ વરસ સુધી એલ એફ માં ફાઈલ પડી રહી. તમારે પહેલેથી જ ઉતાવળ રાખીને અહી મોકલવાની જરૂર હતી. પણ તમે રહ્યા ચીકણા માણસ. અમુક વહીવટમાં તમે ના માનો એટલે આવું થાય.. કેટલા ધક્કા થયા.. ચાર વરસ થઇ ગયા.. તમને કેટલું આર્થિક નુકશાન થયું?? પણ ખેર જવા દો.. હવે આજે સ્ટાફ પુરતો નથી અને આ કામ જેના અન્ડરમાં આવે વાઘેલા મેડીકલની રજા પર છે એ આવે એટલે થઇ જશે. બસ પછી તો સાહેબ સહી કરી દે એટલે તમારું રેગ્યુલર પેન્શન શરુ. પુરવણી છે એ પછી નીકળશે” દવે એ ભટ્ટની સામે જોતા જોતા કહ્યું.
“ પણ તમે ચાર જણા તો છો. એમાંથી કોઈ એક આ કામ અત્યારે ના કરી શકે.. વળી સાવ નવરા જ બેઠા છો. કશું જ નથી કરતા. કોઈ રજા પર જાય તો એનો હવાલો તો કોઈને સોંપીને જતા હશે ને. કરવું હોય તો અડધી કલાકનું પણ કામ નથી” મનજી વિઠ્ઠલ બોલ્યા અને દવેની સામે તાકી રહ્યા. દવે ભટ્ટની સામે જોઇને હસ્યો. ભટ્ટ મકવાણાની સામે જોઇને હસ્યા. મકવાણા વ્યાસની સામે જોઈને હસ્યા!

“ અમે નવરા છીએ કે નહિ એ તમારે જોવાનું નથી. એક વખત કીધુને કે તમારું કામ જેને કરવાનું છે એ આજ નથી એટલે નહિ થાય. તમારું કામ અમે માનવતાની દ્રષ્ટીએ કરી દઈએ છીએ. બાકી હજી બીજા ચાર વરસ નીકળી જશે..તમે મને હજુ નથી ઓળખતા આ દવે શું ચીજ છે એ તમને હજુ ખબર નથી. ચાર વરસથી પેન્શનના ધક્કા ખાવ છો તો હવે ઓફિસમાં કેમ વાત કરવી એ તમને આવડી જવું જોઈએ. આ તો તમારા સંઘના પ્રમુખ પથુભાની ભલામણ છે એટલે કામ હાથ પર લીધું છે. બાકી તમારો પેન્શન કેસ ક્યાય કચરા ટોપલીમાં જતો રહ્યો હોય અને નવેસરથી કરવો પડે શું સમજ્યા??!! તમને શુદ્ધ ગુજરાતીમાં કીધું છે તોય મગજમાં નથી બેસતું કે વાઘેલા આવશે પછી જ મેળ પડશે. ૩૮ વરસ શિક્ષક તરીકે નોકરી કરી છે તો એટલું પણ સમજમા નથી આવતું??” દવે ધગી ગયો. દવે વાત વાતમાં ધગી જતો. દવે ને ડાયાબીટીશ ની સાથે બીપી ની તકલીફ હતી. દરરોજ એ પચાસ ગ્રામ વજન જેટલા ટીકડા ખાતો પણ તોય બ્લડ પ્રેશર કાબુ બહાર જતું રહેતું!!

“ શિક્ષક તરીકે નોકરી કરી છે એટલે જ કીધું.. અમારે પણ શિક્ષકો નિશાળમાં ગેરહાજર હોય તો એની વ્યવસ્થા કરીએ જ છીએ.. ગેરહાજર શિક્ષકના વર્ગના બાળકોને અમે કોઈ દિવસ એમ નથી કીધું કે તમે આજે ઘરે જતા રહો તમારા સાહેબ આજે રજા પર છે.. એક શિક્ષક હોય ને તોય સાતેય ધોરણની વ્યવસ્થા થઇ જાય!! અમે દરેક કામ કરીએ છીએ!! કોઈ કામમાં શિક્ષકો ના નથી પાડતા. બસ અમારું કામ આવે એટલે બધાને બળ પડે છે.. ખોટું કરાવવું નથી અમારે.. અમને અમારા હકનું મળવું જોઈએ..એ પણ ટાઈમ સર” ઓફિસમાં બેઠેલા ચારેય જણા કાળા મેશ તો થઇ ગયાં. બોલવું તો હતું પણ વિઠ્ઠલ મનજીના ચહેરા સામું જોઇને કશું બોલી ના શક્યા. વિઠ્ઠલ મનજી ઉભા થયા. અને સડેડાટ બહાર નીકળી ગયા!!!

મનજી વિઠ્ઠલ નાવડિયા!!

ચાર વરસ પહેલા પ્રાથમિક શિક્ષકમાંથી રીટાયર્ડ થયા હતા!! આમ તો નોકરીના બે વરસ બાકી હોય ત્યારથી જ પેન્શનના કાગળિયાં અને ફાઈલો તૈયાર થવા લાગે.. થોડા થોડા વહીવટથી બે વરસમાં પેન્શન કેસ એકદમ પાકી જાય અને પછી જેવી તમારી ઓળખાણ અને અને વહીવટ કરવાની સમજદારી એ પ્રમાણે તમને પેન્શનનું લગભગ પતી જાય!! પણ આખી જિંદગી પ્રામાણીકતાથી નોકરી કરી છે ના કોઈનું કદી ખાધું છે કે ના કોઈની પાસેથી કયારેય ચા પીધી છે!! જીવનમાં શિક્ષકના એક એક સિદ્ધાંતનું પાલન કર્યું છે. સમયસર નિશાળે પહોંચી જવાનું અને શાળા સમય બાદ અર્ધો કલાક બેસવાનું. ઉપરી અધિકારીઓને દાઝ ખરી પણ ક્યારેય ઝપટે જ ના ચડ્યાને!!

એના સિદ્ધાંતોની વાત કરીએ તો એક પ્રસંગ એ વખતે બહુ જ પ્રસિદ્ધ થયો હતો. આજની ભાષામાં કહું તો બહુજ વાયરલ થયો હતો.!! મનજી વિઠ્ઠલ ના ઘરે એમની દીકરીને જોવા મહેમાનો આવ્યા હતા. દીકરી મહેમાનોને પસંદ આવી ગઈ રૂપિયો અને નાળીયેર મહેમાનોએ આપી દીધો સંબંધ પાકો થઇ ગયો. મહેમાનો બપોરે જમ્યા ત્યારબાદ ઘરની બાજુમાં આવેલ એક દુકાને મહેમાનોને મનજી વિઠ્ઠલ લીંબુ સોડા પાવા લઇ ગયો. બધા જ મહેમાનોએ લીંબુ સોડા પીધી પછી મનજી વિઠ્ઠલ બોલ્યાં.

“જુઓ હવે કોઈને તમાકુવાળો માવો કે પાન ખાવું હોય કે બીડી કે સિગારેટ પીવી હોય તો એ પોતાના પૈસે પી શકે છે કારણકે હું ગાંધીવાદી આશ્રમશાળામાં ભણેલો છું અને શિક્ષક છું એટલે કોઈ વ્યસન હું રાખતો નથી અને કોઈને મારા પૈસે વ્યસન કરાવતો નથી. જાન લઈને આવો તો જમવાની તમામ સગવડ હું કરીશ.પણ સિગારેટ બીડી જે કાઈ પીવું હોય એ સાથે લઈને આવવું. આ તો પહેલાથી જ ચોખવટ કરી હોય તો સારું રહે”!! નવા નવા જ હજુ કલાક પહેલા જ બનેલા વેવાઈ અને મહેમાનો આભા જ બની ગયા.પણ તોય દીકરીનો સંબંધ તો ત્યાંજ થયો અને લગ્ન પણ ગોઠવાયા અને આવેલી જાનને કોઈ વ્યસન વાળી વસ્તુ મનજી વિઠ્ઠલે ઉપલબ્ધ પણ ના કરાવેલી!!
બસ આવ ઘણા બધા કારણોસર એ ઠીક ઠીક પ્રમાણમાં અપ્રિય પણ બનેલા. પણ એની પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓમાં મનજી વિઠ્ઠલની એક અલગ જ છાપ પડી ગયેલી. પેન્શન કેસ બનવાનો હતો ને એની સર્વિસ બુક ખોવાઈ ગયેલી.મનજી વિઠ્ઠલ પાસે જાતિ જિંદગીએ હેરાન કરવાનો એક કારસો જ ગોઠવાયો હતો. મોટી નિશાળમાંથી આચાર્યે કહેવરાવ્યું.

“મનજીભાઈ તમારો પેન્શન કેસ અટકશે.. તમારી સર્વિસ બુક તાલુકામાં મળતી નથી.ક્યાંક આડા અવળી મુકાઈ ગઈ છે..એમ કરો તમે તાલુકામાં જઈને ભુવા સાહેબને મળી આવજોને” જવાબમાં મનજી વિઠ્ઠલ બોલેલા.

“ એ જવાબદારી એની છે.. સર્વિસ બુક મારે ના સાચવવાની હોય!! મારી પાસે બીજી ડુપ્લીકેશન કરેલી બીજી પડેલી છે!! નોકરીએ ચડ્યો ત્યારથી એક એક પગાર અને એક એક વિગત નોંધેલી છે. જેણે ખોઈ હોય એ ગોતે..!! નિવૃત થયા બાદ હું કોર્ટ મારફતે કાર્યવાહી કરીશ” બીજા છ માસ વીતી ગયા. તાલુકા વાળા થાક્યા. ગુમ થયેલી સર્વિસ બુક હાજર થઇ. પણ પેન્શન કેસમાં એક પછી એક નિત નવા કાગળ માંગ્યા કરે!! છેલ્લે છેલ્લે એવી રોન કાઢી કે તમે સહુ પ્રથમ જે શાળામાં હાજર થયા એનો હાજર રીપોર્ટ નથી!! મનજી વિઠ્ઠલ પાસે એની એ વખતની ઓરીજનલ કોપી હતી.!! એ પણ એણે હાજર કરી અને કીધું પણ ખરું!!

“ પેલેથી જ બધું ચાર ચાર નકલમાં ઓરીજનલ સહી સિક્કા સાથે રાખ્યું છે!! જે જોઈએ એ માંગી લેજો જરાય શરમમાં રહેતા નહીં!! બાકી એક પણ રૂપિયો લાંચનો આપ્યા વગર પેન્શન લેવાનું છે એ પાકું!!!”

હવે વટનો સવાલ થઇ ગયો.. તાલુકા વાળા અને જીલ્લા વાળા રોષે ભરાણા કે આ તે કઈ વાડીનો મૂળો!! અને એવું ચક્કર ચલાવ્યું કે મનજી વિઠ્ઠલ તાલુકામાંથી જીલ્લામાં અને જીલ્લામાંથી એલ એફ ની કચેરીમાં અને અને વળી પાછા શાળામાં ત્યાંથી તાલુકામાં આમને આમ ચાર વરસથી ચક્કર કાપતા આવ્યા છે !! પણ હરામનો કોઈને એક પૈસો દેવો નહિ કે હરામનો એક પૈસો લેવો નહિ એ સિદ્ધાંત એણે હજુ સુધી જાળવી રાખ્યો હતો!!

પણ આજ પહેલી વાર એ ઓફિસમાંથી બહાર આવતા ગુસ્સાથી ધમધમી રહ્યા હતા.ચોથા માળેથી એ દાદરા ઉતરતા ઉતરતા ધ્રુજી રહ્યા હતા. હવે એનું કામ એક જ કાગળ પર અટક્યું હતું. અને એ કામ કરનાર વાઘેલા આજ રજા પર હતો. નહિતર આજ થઇ જાત!! મન આખું પહેલીવાર ગૂંગળાઈ રહ્યું હતું. દાદર ઉતરીને એ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા હતા ત્યાં સામેથી ત્રણ ઓફિસર સાથે એક ત્રીસેક વરસની યુવતી ચાલી આવતી હતી. યુવતીની મનજી વિઠ્ઠલ સામે નજર મળી એ રોકાઈ અને પૂછ્યું!!

“કોઈ કામ હતું?? કોઈ કામે આવ્યાં હતા”?? મનજી વિઠ્ઠલ ઘડીક એની સામે જોઈ રહ્યા અને બોલ્યાં.

“કામ આજકાલનું નથી..ચાર વરસથી પેન્શન માટે ધક્કા ખાવ છું?? અને અહી કામ વગર કોણ આવે?? પણ જે કામ હતું એ ભાઈ તો બહાર ગયા છે.આજે મેળ નહિ પડે એમ કીધું છે” પેલી યુવતી એની સામે લાગણીથી જોઈ રહી હતી અને બોલી.

“આવો મારી ઓફિસમાં તમારું કામ આજે જ પતી જશે” તોય મનજી વિઠ્ઠલ ત્યાં ઉભા જ રહ્યા. યુવતીની સાથે એક યુવાન પણ હતો એ બોલ્યો.

“દાદા આ છે ભાનુબેન નાયકા!! ડીડીઓ સાહેબ છે!! ચાલો તેમની સાથે ઓફિસમાં” અને મનજી વિઠ્ઠલ તેમની સાથે ઓફિસમાં ગયા. ઓફિસની બહાર એક નેઈમ પ્લેટ હતી.ત્યાં લખ્યું હતું.

ભાનુબેન ડી નાયકા.

ડીડીઓ શ્રી.

ભાનુબેન દલુભાઇ નાયકા..!! મૂળ તો દાહોદ બાજુના.જીપીએસસી પાસ કરીને વરસ પહેલા નાયબ ડીડીઓ બનેલા. ડીડીઓ તરીકેનું પ્રમોશન મેળવીને પંદર દિવસ પહેલા જ અહી હાજર થયેલા હતા અને આજે એને ગ્રાઉન્ડ ફ્લોર પર જ મનજી વિઠ્ઠલ ભેગા થઇ ગયા!!

“બેસો આ ખુરશી પર” ભાનુબેને કહ્યું અને મનજી વિઠ્ઠલ ડીડીઓ સાહેબની આગળ ગોઠવાઈ ગયા. પાણી અને ચા પીધા પછી વીસ જ મીનીટમાં આખી વાત જાણી લીધી. મનજીભાઈ વાત કરતા ગયા અને ડીડીઓ સાહેબ સાંભળતાં ગયા. બધી વાત સાંભળ્યા પછી ભાનુબેને પોતાના મોબાઈલ દ્વારા એક મનજી વિઠ્ઠલનો એક ફોટો લીધો એની જાણ વગર અને પોતાના પીએને બોલાવીને કહ્યું.

“મનજી સાહેબને તમારી કેબીનમાં બેસારો. એમને ભાવતો નાસ્તો અથવા ભોજનની વ્યવસ્થા કરો. બે કલાકમાં એમનું કામ પતી જશે”કહીને એણે મનજીભાઈ સામે હાથ જોડ્યા અને કહ્યું.

“તમારા કામમાં જે બેદરકારી થઇ છે એહું સ્વીકારું છું.તંત્ર વતી એની માફી માંગું છું પણ તમને ખાતરી આપું છું કે આજનું તમારું તમામ કામ આજે જ પતી જશે” જવાબમાં મનજી વિઠ્ઠલે આભાર માન્યો . બે હાથ જોડ્યા અને કહ્યું.

“તમારો આભાર બેનબા સાહેબ!! તમારો ખુબ ખુબ આભાર!! પીએ મનજી વિઠ્ઠલને બાજુમાં રૂમમાં લઇ ગયો. જેવા મનજી વિઠ્ઠલ પીએ સાથે ગયા કે ભાનુબેનની આંખમાંથી એક આંસુ પડ્યું અને પોતના મોબાઈલમાં વોટ્સએપ ખોલીને પોતાના પતિ જે ગાંધીનગરમાં સેક્શન ઓફિસર હતા એને મનજી વિઠ્ઠલનો હમણા જ લીધેલો એક ફોટો મોકલ્યો!! ફોટો સેન્ડ કર્યા પછી એણે પોતાના પતિને ફોન કર્યો.

“હલ્લો રજની..હું તમને અવારનવાર વાત નહોતી કરતી કે આજથી વરસો પહેલા એક સાહેબે મને ભણતરની ભૂખ લગાડી હતી. જેના કારણે હું આજે આ હોદા પર છું એ મારા ગુરુજી આજે મને અહી સેવા સદનમાં મળી ગયા છે.નિવૃત થયા પછી ચાર વરસ વીતી ગયા છે એમનો પેન્શન કેસ ટલ્લા ખાય છે.રજની મેં એમનો ફોટો મોકલ્યો છે. તમે જોઈ લેજો. હજુ હમણા જ મારી ચેમ્બરમાં એ હતા. હું એને ઓળખી ગઈ છું પણ એ મને નથી ઓળખી શક્યા!! અને ઓળખે પણ ક્યાંથી ઘણો સમય વીતી ગયોને??”
“પણ પછી તે ઓળખાણ આપી કે નહિ” ભાનુબેનના પતિએ કહ્યું.

“ ના હું ઓળખાણ નહિ આપું અને વગર ઓળખાણે એમનું કામ થઇ જશે. મને હજુ પણ એ ગુરુજીના શબ્દો યાદ છે જે અમને અવારનવાર પ્રાર્થના સભામાં કહેતા કે કોઈની ઉપર તમે ઉપકાર કરો તો એ જણાવો નહિ!! જણાવ્યા વગર કરેલો ઉપકાર એ જ સાચું કર્તવ્ય છે. જીવનમાં જયારે પણ તમે સારા હોદ્દા પર હો અને કોઈનું કામ કરોને ત્યારે એ વ્યક્તિને એવું ના જણાવો કે તમે કરેલા ઉપકારના બદલામાં હું આ કામ કરું છું. આવું કરવાથી તમે કરેલા કામનો આનંદ જતો રહે છે.એણે જે કામ કર્યું છે મારા માટે એનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું.અત્યારે ઓળખાણ કાઢીને હું એમનું એ ઋણ જરા પણ ઓછું કરવા નથી માંગતી!! બસ એણે એ વખતે આશિષ આપેલા અને આજે પણ આશિષ આપશે એ જ મારું મોટામાં મોટું ઇનામ હશે” કહીને ભાનુબેન ડી નાયકા ડીડીઓશ્રી ભાવુક બની ગયા અને આજથી વરસો પહેલાના એ ભૂતકાળમાં ખોવાઈ ગયા જયારે એની ઉમર સાત વરસની હતી.. પોતે પોતાના પિતાજી સાથે સૌરાષ્ટ્રમાં મજૂરીએ આવેલા હતા. પોતાના માતા પિતા સાથે એક રોડ કાંઠાના ખેતરમાં રહેતા હતા!! ભાનુબેને આંખો મીંચી દીધી અને એમાં એને મનજી વિઠ્ઠલની સાયકલ દેખાણી!!

દલુભાઇ નાયકા ખેતીના કામ માટે એક ગામમાં આવેલા. રોડ કાંઠાના એક ખેતરમાં એક નાનકડા મકાનમાં એ પોતાની એકની એક દીકરી ભાનુ અને પત્ની ખેમીની સાથે રહેતા હતા. મનજી વિઠ્ઠલ એ વખતે એ ગામમાં નોકરી કરતા અને સાયકલ લઈને નિશાળે જાય. ગામ બે કિલોમીટર જેટલું દૂર હતું. અષાઢ મહિનામાં એક વખત જોરદાર વરસાદ પડેલો અને મનજી વિઠ્ઠલ સાયકલ લઈને પાંચ વાગ્યે નિશાળેથી નીકળ્યા.આગળનું એક નાળું પાણીથી બરાબર ભરાઈ ગયેલું અને સાયકલ જ્યાં સુધી પાણી ઓછું ના થાય ત્યાં સુધી આગળ જઈ શકે એમ નહોતી. હવે વરસાદ વધ્યો અને મનજી વિઠ્ઠલે બાજુની વાડીમાં આશરો લીધો. સાયકલ રોડ પર મુકીને!! ત્યાં આ ભાનુ અને એનો પરિવાર રહેતો હતો.

દલાભાઇએ ચા બનાવી મનજી વિઠ્ઠલે પીધી અને પૂછ્યું.

“આ છોડીને નિશાળે નથી મુકવી?? તમે તો ના ભણ્યા પણ આ છોડીને ભણાવો!! એની આંખમાં મને શિક્ષણની ચમક દેખાય છે”

“અમે વાડીઓમાં રહેનારા.. વળી નિશાળ ખુબ જ આઘી પડે..અમને ભણવાનું થોડું પોહાય?? વળી નિહાળમાં જન્મતારીખના દાખલા માંગે એ અમારી પાસે હોય નહિ!! ગામના છોકરાને અમારા જેવા ગરીબના છોકરા હારે ન ફાવે!! અમારે તો ભળી મજૂરીને ભલો અમારો દેશ!! અહી ક્યાં કાયમ રહેવાનું છે!! દલાભાઇએ પોતાની વાત રજુ કરી!!

“ ઈ બધુય થઇ રેશે!! કાલ દસ વાગ્યે છોડીને તૈયાર રાખજે. હું આ ગામમાં જ શિક્ષક છું.. તારી છોડીને નિશાળે લેતો જઈશ. અને સાંજે પાછો વાડીના શેઢે મુકાતો જઈશ!! આનો ભાર મને નહિ નડે!!” મનજી વિઠ્ઠલે કહ્યું.

બીજા દિવસે મનજીભાઈ વાડી પાસે ઉભા રહ્યા.પણ દલાભાઈ એ ભાનુને ભણાવવાની ના પાડી દીધી. માને એ મનજી વિઠ્ઠલ શેના!! મનજી વિઠ્ઠલ દલાભાઈ અને ખેમીને કહે.

તમને જેમ જમીન કે પાક જોઇને કેટલી ઊપજ આવશે એનો અંદાજ હોય એમ અમે નાના છોકરાને જોઇને કહી દઈએ કે ભવિષ્યમાં આ કેટલી પ્રગતિ કરશે.. મારું માનો તમે બેય ધણી ધનિયાણી તમે આ ભાનુને ભણાવો!! એની આંખમાં મને અનેરી હૈયા ઉકલત દેખાય છે!!” આટલું કહીને એ જતા રહ્યા!! ભાનુની આંખમાં અનેરી ચમક આવી ગઈ હતી.

અને બીજે દિવસે દસ વાગ્યે નાહી ધોહીને તૈયાર થયેલ બે ચોટલા વાળી ભાનુ રોડ પર એની માતા સાથે ઉભી હતી. મનજી વિઠ્ઠલ તો રાજીના રેડ!! ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢીને ભાનુંને આપી. ખેમીએ ભાનુંને માથે હાથ મુકીને કીધેલું.
“જો બટા તારી કોઈ ફરિયાદ નહિ આવવી જોઈએ. મનજી સાહેબ જેમ કે એમ કરવાનું!! અને સાયકલ ચાલી.. સાયકલના પૈડાની ગતિ વધી જાણે કે ભાનુંના ભાગ્ય ચક્રની ગતિ વધી!

ભાનુ આવી નિશાળે. અટકળે જન્મતારીખ નાંખીને ભાનુને પહેલા ધોરણમાં દાખલ કરી. પહેલા ધોરણના વાલી ફોર્મ માં દલાભાઈની સહી લીધી બીજા દિવસે ત્યારે મનજીભાઈ બોલ્યા.

“દલા યાદ રાખજે આ તે જે અંગુઠો માર્યો છે આ ફોર્મ પર એ ખાલી અંગુઠો જ નથી પણ તારી દીકરીના ભવિષ્ય પર તે સોનાની મહોર મારી છે..”

બસ પછી તો ભાનુના ભણવાનો સિલસિલો શરુ થયો. રોજ મનજીભાઈની સાયકલ સાથે ભાનુંનું પણ અપ ડાઉન શરુ થયું. બપોરે મનજીભાઈ પોતાના ટીફીનમાંથી એને જમાડે!! થોડું ઘણું મધ્યાહ્ન ભોજનનું પણ ભાનુ ખાઈ લે!! ભાનુ ભણવામાં હોંશિયાર નીકળી!! દરરોજ સાંજે ખેમી રાહ જોતી ઉભી હોય!! સાયકલ ઉપર દુરથી એ પોતાની દીકરીને આવતી જુએ!! સાયકલ રસ્તા પર ઉભી રહે. ખેમી પરાણે શાકની થેલી મનજીભાઈ ને આપી દે!! મનજી વિઠ્ઠલની સાયકલ ચાલે.. અને ખેમી સાથે જતી ભાનુ મનજી સાહેબ સામે હાથ હલાવતી હોય!! આ રોજનો ક્રમ બની ગયો!!

છ વરસ સુધી આમ ચાલ્યું અને પછી દલા ભાઈ વતનમાં જવા રવાના થયા. ભાનુએ છઠું ધોરણ પાસ કરી લીધું હતું. જતી વખતે મનજીભાઈએ કીધેલું!

“તમે આને ત્યાની નિશાળમાં ભણાવજો. આનું મગજ તેજ છે બધુજ યાદ રહી જાય છે!! છોડીઓ માટે શિક્ષણ મફત છે તેમ છતાં કોઈ જરૂર પડે તો આ મારું સરનામું છે પૈસા મંગાવી લેજે અત્યારે આટલા આપું છું” કહીને પરાણે ૫૦૦ રૂપિયા આપેલા.

ભાનુ મનજીભાઈને પગે લાગી. મનજીભાઈએ આશિષ આપેલા.

“ખુબ ભણજે બેટા.. સેવા કરજે.. માતા પિતા તને જરૂર આગળ ભણાવશે.. એય સુખી થજે અને સહુને સુખી કરજે”!! અને મનજીભાઈની સાયકલ ચાલતી થઇ ક્યાય સુધી ભાનુ એને જોઈ રહી હતી.!!

બસ પછી તો વતનમાં આવીને ભાનુએ દસ અને બાર ધોરણ પૂરું કર્યું.કોલેજ કરવા એ હોસ્ટેલમાં ગોધરા ગઈ. કોલેજ કર્યા પછી એણે સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપવા લાગી. ચાર વરસ પછી એ જીપીએસસી પાસ થઇ. મનજી વિઠ્ઠલ સાથે પછી ક્યારેય મેળાપ થયો જ નહિ!!

ભાનુબેને આંખો ખોલી. મોઢા પર પાણી છાંટી ને એ સ્વસ્થ થયા.પોતાના પીએને બોલાવીને એણે શિક્ષણ શાખમાં જેટલા હાજર હોય એટલાને બોલાવીને લાવવા કહ્યું.
સેવા સદનમાં ખ્યાલ તો આવી જ ગયો હતો કે ડીડીઓશ્રી પાસે મનજી વિઠ્ઠલ બેઠા છે એટલે શિક્ષણ શાખા ખુલાસા સાથે તૈયાર જ હતી. મનજી વિઠ્ઠલની પેન્શનની ફાઈલ તૈયાર જ હતી.!! દવે, ભટ્ટ, મકવાણા, વ્યાસના ધબકારા ઓલિમ્પિકમાં લાંબી દોડમાં પ્રથમ આવેલા ખેલાડીના ધબકારા જેટલા જ ચાલી રહ્યા હતા!! અને એમાં ડીડીઓ સાહેબનું તેડું આવ્યું!! બધા મારતી ઘોડીએ આવી પહોંચ્યા!! તંત્ર સફાળું જાગ્યું એવો ઘાટ થયો!!

“શું છે આ મેટરનું?? એવી તે કઈ વહીવટી આંટીઘુટી છે કે ચાર વરસ વીતી ગયા તેમ છતાં આ ફાઈલનો મોક્ષ નથી થતો??? એક પછી એક વિભાગમાં આ ફાઈલ ભટક્યા કરે છે!! શ્રીમાન મનજીભાઈ એક સંનિષ્ઠ શિક્ષક તરીકે નિવૃત થયા છે.એમની કોઈ ખાતાકીય તપાસ ચાલે છે?? નહીને?? તો પછી આટલા વિલંબનું કારણ જાણી શકું?? આ સેવા સદન છે કોઈ મેવા સદન તો છે નહિ?? બોલો આ વિષે આપ સહુ મહાશયો નું શું કહેવું છે???” ડીડીઓ સાહેબા હવે બરાબરના ગરમ થયા હતા.

“ સાહેબ એમાં એવું છે ને કે મનજીભાઈનું વર્તન બરાબર નથી. એ અહી આવતા ત્યારે ઉદ્ધતાઈથી વર્તન કરતા. કાગળો પણ પૂરતા નહોતા” ભટ્ટ બોલ્યા. અને જવાબમાં ભાનુબેને પોતાની પાછળની બારી ખોલી અને કહ્યું.

સામે દેખાય છે એ લીમડાનું ઝાડ તમે જુઓ!! એની ડાળીઓ,એના પાન,એના ફૂલ અને એના ફળ લીંબોળી ને એના મૂળ વિષે ફરિયાદ કરવાનો કોઈ હક ખરો??? એ મૂળ થકી જ આ ડાળીઓ ફળ અને પાનનું અસ્તિત્વ છે..!! મૂળ સારા હોય તોજ ઝાડનો વિકાસ થાય છે એમ આ સમાજરૂપી વ્રુક્ષમાં શિક્ષકો અથવા ગુરુજનો એ મુળિયા છે.તમે બધા આ બિલ્ડીંગમાં એશો આરામથી જિંદગી વિતાવી રહ્યા છો એનું કારણ તમારા કોઈને કોઈ ગુરુજનો છે. તમે બધા મારા કરતા ઉમરમાં મોટા છો પણ આટલી સાદી વાત તમને નથી સમજાતી. હું તો કદાચ તમને નોટીસ આપું કે એક એક ઇજાફા અટકાવું પણ તમારા અંતરાત્માને પૂછું જુઓ.તમે જે ખેલ ખેલી રહ્યા છો એમાં તમારો આત્મા દુભાતો નથી!! તમને અંતરમાં દુખતું નથી!!!??? જાવ હવે તમારી પાસે બે કલાકનો સમય છે.. મારે કશું જ નથી સાંભળવું. મનજીભાઈ વિઠ્ઠલભાઈ નાવડિયાનો પેન્શન કેસ ક્લીયર જોઈએ.એમનું તમામ પુરવણી બિલ કલીયર જોઈએ. હું હિસાબી અધિકારીને કહી દઉં છું એક એનો ચેક બે કલાકમાં નીકળી જાવો જોઈએ. જ્યાં સહીની જરૂર પડે ત્યાં હું સહી કરી દઈશ. અને કોઈ વહીવટ બાકી હોય તો એ રકમ હું તમને આપી દઈશ” કોઈ કશું જ બોલ્યું નહિ. અને સહુ કામે વળગ્યા. મનમાં ખુશ હતા કે ચાલો આ મેટર પતી જાય તો હવે પછી નિયમ લેવો છે કે કોઈનો પેન્શન કેસ વગર કારણે તો બાકી નહિ જ રહે!!

બે કલાક પછી તમામ પૂરાવણીનો ચેક આપવામાં મનજી વિઠ્ઠલને આપવામાં આવ્યો. ફાઈનલ આદેશ પણ એમને હાથોહાથ આપવામાં આવ્યો. મનજી વિઠ્ઠલનું ગળું ભરાઈ આવ્યું. એણે બે હાથ જોડ્યા. અને ડીડીઓ ભાનુબેન બોલ્યાં.

“તમે આજીવન શિક્ષક છો!! શિક્ષક જ્યારે સમાજ સામે કે સરકારી તંત્ર સામે હાથ જોડે એ બરાબર ન કહેવાય!! એ તંત્ર કે સમાજની લાપરવાહી છે.. બાકી સમાજના બે
હાથ જ્યારે શિક્ષક્ના માન સન્માન માટે જોડાય ત્યારે એ સમાજ કે દેશનું ભાવી ઉજ્જવળ બને છે..!! આ મારું કાર્ડ અને નંબર છે!! ગમે ત્યારે જરૂર પડે આપ ફોન કરી શકો છો”

“ભગવાન સહુને તમારા જેવી સમજણ આપે.. જીવનમાં આપ ખુબ જ પ્રગતિ કરો..ખુબ જ સમૃદ્ધિ અને શાંતિ મેળવો” આમ કહીને મનજી વિઠ્ઠલ લાકડીને ટેકે ચાલતા થયા..!! અને આશિષ મેળવીને ડીડીઓ ભાનુબેન ફરી વાર ધન્ય થઇ ગયા!! જીવનમાં બીજી વાર તેમને ગુરુજીના આશિષ પ્રાપ્ત થયા હતા!!!
                               -સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments