Subscribe Us

Header Ads

ઉજાશ

ઉજાશ !

      ' સૂર્યની ગેરહાજરીમાં વાતાવરણમાં પથરાયેલ પ્રકાશને આપણે ઉજાશ કહિએ છીએ'.સૂર્યની અહીં હાજરી હોતી નથી તેમ છતાં સંપૂર્ણ અંધકાર પણ જોવા મળતો નથી.વિશેષતા એ છે કે ભરબપોરનો તડકો આપણને દઝાડે છે જ્યારે ઉજાશ આપણને મધુર શીતળતા આપે છે.પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતાં- કરતાં  ઘણા સારા અનુભવો થતાં હોય છે આવોજ એક નવો અનુભવ જીવન તથા ચિત્ત-મન મનમાં 'ઉજાશ'  પાથરનારો પ્રસંગ આપની સમક્ષ  મૂકી રહ્યો છું.

     પાટણ જિલ્લાની પાટણ તાલુકામાંજ આવેલી લોઢપુર પ્રાથમિક શાળાની આ વાત છે. આ શાળાએ તેના ગુણવત્તા યુક્ત શિક્ષણકાર્યના કારણે ખૂબ નામના મેળવેલ છે. શાળા આમતો ૧  થી ૫  ધોરણની છે અને ત્રણ ગુરૂજીઓ છાત્રોને વિધ્યાભ્યાસ કરાવે છે.આ શાળામાં ઉજાશભાઇ નામના ગુરૂજી  છે.ઉજાશભાઇ એટલે મારા મત મુજબ શ્રેષ્ઠ 'ઋષિતુલ્ય' શિક્ષક.ઉજાશભાઇ બન્ને આંખે અંધ શિક્ષક છે. હવે તમારી સમક્ષ આખું ચિત્ર તથા માન્યતા બદલાઇ જશે.આજે મારે આપની સમક્ષ  એક સૂરદાસ શિક્ષક જે માત્ર અવાજથી જ જોઇ શકે છે તેવા ઉજાશભાઇની વાત કરવી છે. મિત્રો હાલમાં   મિશન વિધ્યા અમલમાં છે. પ્રાથમિક કેળવણીના પ્રવાસ દરમિયાન વાંચન-ગણન -લેખનમાં કચાશ ધરાવતા બાળકોના શૈક્ષણિક સશક્તિકરણ માટેનો આ કાર્યક્રમ ખૂબજ સાર્થક થશે.એક સૂરદાસ શિક્ષક એવું તો કઇ રીતે શીખવે છે કે,  જેનો એકપણ વિધ્યાર્થી મિશન વિધ્યામાં નથી ??????  મિત્રો આ સવાલ મને ઉજાશભાઇના વર્ગખંડમાં ખેંચી જાય છે.

     ઉજાશભાઇ પાસે ધોરણ 3 અને ધોરણ 4નો વર્ગ છે .તેઓના વર્ગના તમામ બાળકોની મેં જાત તપાસણી કરી તો ખરેખર મને સુખદ આશ્ચર્ય થયું એક પણ બાળક કચાશ ધરાવતું ન હતું બલ્કે તે હાલના અભ્યાસક્રમ સાથે તૈયાર પણ હ્તું. મિત્રો ઉજાશભાઇના ધોરણ 3 ના બાળકો ત્રણ અંકના વદ્દીવાળા સરવાળા તથા ત્રણ અંકની દશકાવાળી બાદબાકી ,ત્રણ અંકના બે અંક સાથે ગુણાકાર ખૂબ સરળતાથી કોઇ ભૂલ વગર કરી શકે છે. મારો  યક્ષ પ્રશ્ન હતો :- "ઉજાશભાઇ એવું તો શું કરો છો ?????? જે હું આંખ હોવા છતાં પણ નથી કરી શકતો "? ઉજાશભાઇનો પ્રયોગ સાદો પણ પેડાગોજીકલ દ્રસ્ટ્રીએ ખૂબ મહત્વનો હતો તેઓ કોઇ પણ એકમ શીખવતી વખતે બાળકો પાસે વાંચન કાર્ય દરવખતે કરાવે છે.દરેક બાળકને પોતાની પાસે બોલાવી તેણે સ્લેટમાં શું લખ્યું છે તે મોટેથી વારંવાર મૂખવાંચન કરાવે છે. આમ કરાવવાથી દરેક બાળકોની ઉચ્ચારશુધ્ધી ખૂબ અસરકારક કેળવાયેલ છે. ગણનકાર્યમાં તેઓ સંખ્યાજ્ઞાનથી દરેક  રકમ જાતે બોલે છે અને બાળકો તેનું શ્રુત લેખન કરે છે આ ઉપરાંત તેની ચકાસણી બાળકોને  ક્રોસ કરીને એટલેકે  એક બાળક બીજા બાળકે લખેલ કાર્યની ચકાસણી કરીને કરે છે. મૂલ્યાંકનનાં છેલ્લા તબક્કામાં  ઉજાશભાઇ જાતે દરેક બાળકને પોતાની પાસે બોલાવી આખા દાખલાનું મૂખરવાંચન કરાવે છે ,દાખલા તરીકે ૪૫૩  + ૬૯૯ નો દાખલો બાળકો ગણીને આવે ત્યારે ઉજાશભાઇ દરેક બાળકને વ્યક્તિગરૂપે દાખલાનું મૂક્વાંચન કરાવે છે આમ આ પ્રયોગથી બાળકને સ્થાનકિંમત થી માંડીને ક્ષમતા સિધ્ધિ , અર્થગ્રહણ,વ્યવહારિક ઉપયોજન  સુધી તમામ બાબતો તે શીખી જાય છે.

       મે તેમને પડતી મુશ્કેલીઓ બબતે ચર્ચા કરી તો તેમનો એક જ જવાબ હતો :- "સાહેબ કોઇ મુશ્કેલી નથી. મજા આવે છે. કેવો ખુમારી અને ગૌરવભર્યો જવાબ!!!!!! ".એમણે એક માંગણી પણ કરી છે કે જેમ સરકાર અલ્પદ્રસ્ટ્રી વાળા બાળકો માટે 'લાર્જ પ્રિન્ટેડ બુક' બનાવતી હતી એમ, જો નવા અભ્યાસક્રમની ઓડિયો બુક પણ બનાવે તો શિક્ષકો અને બાળકો માટેનું આવું સરકારશ્રી તથા પાઠ્યપુસ્તક મંડળનું ઇનોવેશન આશિર્વાદરૂપ  સાબિત થશે. અંધજનમંડ્ળ ભાવનગર તથા માધાપર-કચ્છ આવી ઓડિયો બુક ફી લઈને  બનાવી આપે છે એવું ધ્યાનમાં છે અને ઉજાશભાઇએ આવી ઓડિયો બુક દરેક વિષયની બનાવવા માટે પણ તૈયારી બતાવી છે.મિત્રો મેં પણ સારી ઉચ્ચારશુદ્ધિ ધરાવનાર બાળક પાસે ધોરણ ૩ તથા ૪ નાં પુસ્તકોની 'ઓડીયોબુક' બનાવવાની કટીબધ્ધતા મનોમન વ્યક્ત કરી છે.
     મિત્રો ઉજાશ એટલે 'સૂર્યની ગેરહાજરીમાં વાતાવરણમાં રહેલો પ્રકાશ'.ઉજાશભાઇના નામકરણ વખતે તેમના માતા-પિતાએ આ નામની કેટલી સાર્થકતા તેમનો દીકરો પૂરી કરશે એવું કદાચ કલ્પ્યું પણ નહીં હોય. જે કામ હું મારી બંન્ને ચર્મચક્ષુ હોવા છતાં નથી કરી શકતો તે ઉજાશભાઇનો વર્ગખંડ જોઇને જોવા મળે છે.મિત્રો શિક્ષણ જગતમાં ઉજાશભાઇ જેવા ઋષિશિક્ષક વિશે જાણવા મળે છે ત્યારે ચોક્કસથી કહેવાનું  મન થાય. વાહ..... ગુરૂજી!!!!!!!!!!!
                                       
      સંકલન:- મૌલિક પટેલ

Post a Comment

0 Comments