Subscribe Us

Header Ads

વાહ ગુરૂજી !!

                                              વાહ ગુરૂજી !!


     મીત્રો આજથી એક નવી કોલમ લખવા પ્રયત્ન કરી રહ્યો છું જેનું નામ વાહ ગુરૂજી !! રાખ્યું  છે. મીત્રો મારા જીવનની આ પ્રથમ કોલમ લખું છું. આ કોલમમાં હું મારા વર્ગખંડ મુલાકાત વખતે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા થયેલ અદભૂત(ઇશ્વરીય )  કાર્યને આપની સામે મૂકવા પ્રયત્ન કરી રહ્યો છું. આશા રાખું છું કે આપ સૌ મને આ લેખન કૌશલ્ય વિકસાવવામાં મદદ કરશો. (મારી ભાષાકૌશલ્ય પર પક્કડ નથી)  

   મીત્રો સી.આર.સી. કો.ઓર્ડી તરીકે શાળા મુલાકાત દરમિયાન સાંતલપુર તાલુકાની ચડિયાણા પ્રાથમિક શાળાની મુલાકાત લેવાનું થયું. આ શાળા કચ્છના નાના રણને અડીને આવેલી શાળા છે. ગામના લોકો આર્થીક રીતે સધ્ધર કહી શકાય નહિ. આ ગામમાં પ્રાથમિક શાળામાં કાર્ય કરતા પટેલ ઉન્નતીબેનના કાર્યને જોઇને આપણને થાય કે આજે પણ ઋષી પરંપરા જીવીત છે. બહેન પહેલેથી નાસીકમાં મોટા થયેલા છે તથા ગર્ભશ્રીમંત કુંટુંબ માં જન્મેલ છે. બહેન જ્યારે આ શાળામાં (૧૨/૦૩/૨૦૦૭) આવ્યા એ અગાઉ આ ગામની સ્થિતી ખૂબજ અલગ પ્રકારની હતી.
 હું જ્યારે આ શાળાની મુલાકાતે ગયો ત્યારે બહેન નાના બાળકોના માથાના વાળ કાપી રહ્યા હતા. મને સહેજ નવાઇ લાગી કે એક પ્રાથમિક શાળાની શિક્ષીકા બાળકોના વાળ કાપી રહી છે !!! .મે મારી જાતને છુપાવી દિધી( બહેનને ખબર ન પડે તે રીતે ) અને બહેનનાં કાર્યોને જોવા લાગ્યો તો પછી બહેને હાથની આંગળી પર ‘સોફ્રામાઇસીનની’ ટ્યુબ લઇને વિધ્યાર્થીઓને થયેલ ગુમડાઓ પર ઘસવા લાગ્યા . મને મનમાં આદરભાવ જાગ્યો તથા મારી જાત પ્રત્યે ધ્રુણાભાવ જાગ્યો કે મારા વર્ગખંડના અનુભવ દરમ્યાન હું મારા વિધ્યાર્થીઓને આટલો નજીક લાવી શક્યો ન હતો.બહેને બાળકોના કાનમાંથી મેલ પણ કાઢ્યો અને એક બાળકને હાથપગ પણ ધોવડાવી આપ્યા.  બહેને ત્યારબાદ વર્ગખંડ માં ગયા મને તેમનો વર્ગ જોવાની ખૂબજ તાલાવેલી હતી કે બહેન દ્વારા વર્ગખંડના બાળકોને કેવા તૈયાર કર્યા છે ? મારા આશ્ર્ચર્ય વચ્ચે એક ઘટના બની તમામ બાળકો ત્રણ અંક સુધીના સરવાળા કરી શકતા હતા( બહેન ધોરણ:૧-૨ માં અભ્યાસ કરાવે છે.) બધા બાળકો વાંચી શકતા હતા. બાળકો વાર્તાની ‘અર્લીરીડર’  વાંચવા ઘરે લઇ જાય છે. ગામમાં બહેનનું માન ખૂબજ છે.
બહેન શાળામાં વર્ષમાં પાંચથી છ વખત તીથી ભોજન આપે છે. તથા બાળકોને પ્રવાસ માં જવા માટે નાણાંકિય મદદ કરે છે. કોઇ પણ કામ પૈસાના અભાવથી અટકતું નથી. મારા એક મીત્રના જણાવ્યા અનુસાર બહેન વર્ષમાં આશરે ૩૦૦૦૦(ત્રીસ હજાર )  થી વધારે રૂપીયાનો ખર્ચ બાળકો માટે કરે છે. ( બહેનની  વિધ્યાસહાયક વખતેની આ વિગત છે.)  બહેન બાળકો માટે નિયમીત સીઝનેબલ ફ્રૂટ  લાવે છે. અને શિક્ષણકાર્યની સાથેસાથે બાળકોને ફ્રૂટ ની સમજ આપી તે બાળકોને પ્રેમથી ખવડાવે છે.  ગામના સરપંચ પણ બહેનની ખૂબજ આમન્યા રાખે છે. ચડિયાણા ગામને એક આગવી ઓળખ આ બહેને આપી છે. ખરેખર આવા પ્રાથમિક શિક્ષકોને જોઇને તથા તેમના કાર્યોને સાંભળીને આપણા હૈયામાંથી શબ્દો સરી પડે છેકે વાહ.... ગુરૂજી !!!!

નવી સત્ય વાત સાથે અને નવા ગુરૂજી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો !!
 
                                                                                      સંકલન                                              


                                                                              આપનો મૌલિક પટેલ

Post a Comment

0 Comments