અંતરનો
ઓડકાર !!!!
સંસ્કૃત સાહિત્યમાં એક સુંદર
શ્લોક આપણે સૌએ વાંચ્યો હશે:
कस्तूरी मृगः कस्तूरी वने वने भ्रमति ।
न च जानाति कस्तूरी नाभौ तस्य स्थिताः ॥
ભારતીય સનાતન સંસ્કારધારામાં આ શ્લોકને આત્મદર્શન સાથે જોડવામાં આવ્યો છે.
તાજેતરમાં
શનિવારે શાળા છૂટ્યા પછી એક મિત્રની સાથે તેની વ્યવસાયિક ફિલ્ડ વિઝિટમાં જોડાવાનો
અવસર પ્રાપ્ત થયો. મિત્ર સી.સી.ટી.વી. (CCTV) કેમેરા
એક સદ્ગૃહસ્થના ઘેર રિપેરિંગ કરી રહ્યો હતો. મને આ ક્ષેત્રનું જ્ઞાન ન હોવાને
કારણે એ સદ્ગૃહસ્થના આંગણામાં હું ખાટલો ઢાળી બેઠેલો હતો. સદ્ગૃહસ્થનું ઘર પાટણ
તાલુકામાં આવેલ એક સમૃદ્ધ ગામમાં છે. ત્યાં કેળવણી પ્રાપ્ત કરી મોટે ભાગે ગામના
યુવાનો વિદેશ (ફોરેન) સ્થાયી થયેલા છે. ગામના માઢના મોટા ફળિયામાં એક માત્ર હું
અને મારા વિચારો - આ બંને જ હતા.
લગભગ ૨૦ મિનિટ પછી એક બા, જેમની
ઉંમર અંદાજિત ૭૨ વર્ષની હતી, તેઓ
મારી બાજુમાં આવીને નીચે બેસી ગયા. થોડી ઔપચારિક વાતો પછી તેમણે સહજતાથી અને એકદમ
નિખાલસતાથી તેમનું જીવનવૃત્તાંત મારી સમક્ષ વહેતું મૂક્યું. તેમનો દીકરો, જેની ઉંમર ૪૨ વર્ષની હતી, તે
કોરોના કાળમાં સ્વર્ગે સિધાવ્યો. દીકરાનો આઘાત સહન ન થતાં તેના પિતા અને બાના પતિ
બીજા જ દિવસે મૃત્યુ પામ્યા. જેમ જેમ બા પોતાની વાતો કરતાં ગયાં, તેમ તેમ મને તેમની વાતો પ્રત્યે એક અજાણ્યું ખેંચાણ થતું ગયું.
મેં જાણ્યું કે તેમની પાસે જમીનનો એક નાનો ટુકડો પણ નથી અને તેમનું જીવન
સરકારશ્રીની વિધવા સહાય યોજનાથી ચાલે છે. મેં સંવાદ કર્યો કે,
"મા ! આટલા રૂપિયામાં તો દૂધનું બિલ પણ ન ભરાય !" તો
તેઓ કહે, "ભાઈ ! મારે એકલીને કેટલું
જોઈએ !" મારા મનમાં તેમના જીવનની અનિશ્ચિતતાઓ માટે ભયંકર કલ્પનાઓના વંટોળ
સર્જાતા હતા, જ્યારે તેઓ વર્તમાન જીવનની ક્ષણથી ખૂબ
સંતુષ્ટ હતા.
વળી તેઓએ એવું પણ જણાવ્યું કે અગાઉ તેમના સમાજ દ્વારા દર ત્રણ મહિને વિધવાઓને
૩૦૦૦ રૂપિયાની મદદ કરવામાં આવતી હતી, પણ
અત્યારે સમાજના શાસકો બદલાયા હોવાથી આ સેવા બંધ થયેલ છે. આ વાતે મને પણ ચિંતન કરતો
કરી મૂક્યો કે, "મારા સમાજમાં પણ કોઈક
જગ્યાએ મારા વિચારોની નોંધ લઈ નિર્ણય કરાતા હોય છે , ત્યારે સમાજના શાસકોનો પ્રત્યેક
નિર્ણય અંત્યોદયને ખૂબ જ મોટી અસર કરતો હોય છે !"
અત્યારે તો માત્ર ૧૦ મિનિટ માટે પણ કોઈ વ્યક્તિને તેના કમ્યુનિકેશન ગેજેટ્સથી
દૂર કરવામાં આવે તો તે વિહવળ થઈ હતાશામાં ગરકાવ થઇ જાય છે; એવા સમયમાં આ બા કોઈ જાતના ઉપકરણ અને નજીકમાં કોઈ વાતચીત કરનાર વ્યક્તિની
ઉપસ્થિતિ ન હોવા છતાં, શાંતિથી પોતાનો વાનપ્રસ્થાશ્રમમાંથી
સંન્યાસાશ્રમ તરફ ગતિ કરી રહ્યા હતા.
જીવનની અમૂલ્ય ભેટ અને જો કોઈ બચત
હોય,
તો તે આત્મશાંતિની છે. હજારો દીવાઓથી ઝળહળતા મહેલોમાં
અત્યારે અશાંતિનું ગાઢ ધુમ્મસ પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યું છે, ત્યારે આ બા જેવા વ્યક્તિઓના જીવનમાં શાંતિરૂપી કોડિયું જીવનસંધ્યાનું તેજ બની
રહ્યું છે.
સંકલન: મૌલિક પટેલ
0 Comments