Subscribe Us

Header Ads

શિક્ષક અને સડક બેય સરખાં....

વાહ......ગુરૂજી!!!!!!

             શિક્ષક અને સડક બેય સરખાં હોય છે પોતે ત્યાંના ત્યાંજ રહીને અનેકને મંજીલ સુધી પહોંચાડી દેતા હોય છે. આજે આપની સમક્ષ એક એવા શિક્ષકની વાત કરવી છે જેમના વિધ્યાર્થીઓને તેમના તરફથી પિતાથી પણ વધારે સ્નેહ પ્રાપ્ત થયેલ છે.શિક્ષકની પોતાની કર્મભૂમિ પ્રત્યે એટલીતો સમર્પિતતા કે નોકરીનું સ્થળજ તેમના નામની અટક બની ગઇ.
           પાટણ જિલ્લાના હાલના સરસ્વતિ તાલુકામાં આવેલ સરિયદ ગામના શિક્ષક એટલે ગોવિંદભાઇ સરિયદવાળા. આ ગામમાં સાહેબે 28 વર્ષ જેટલી નોકરી કરી. આટલા વર્ષની નોકરી એકજ ગામમાં કરવાના કારણે લગભગ ગામની બીજી પેઢીએ તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હોય જ . આ ગુરૂજીને વિશ્વની સાત ભાષાઓ પર પ્રભુત્વ હતું જેના કારણે વર્ષો પહેલાં ગુજરાતની મુલાકાતે આવતા અન્ય દેશોના તથા રાજ્યના  શૈક્ષણિક ડેલિગેશનો સાથે ઇંન્ટપીટીયર તરીકે તેમની સેવા લેવામાં આવતી.ય. ગુરૂજીના અક્ષર એટલે મોતિના દાણા જાણે કાગળ પર વેરાયા હોય એવું લાગે. કાળી બોલપેન તેમની ઓળખ.લગભગ ૪૫૦૦૦ હજાર રૂપિયા જેટલી રકમની બોલપેનોનું કલેક્શન તેમની પાસેથી મળી આવે. વર્ષો પહેલાં જ્યારે વાહંનવ્યવહારની આટલી સુલભતા ન હતી તેવા વખતે આ ગામની મુલાકાતે આવતા સરકારી અધિકારી અથવા કર્મચારીઓનું રાત્રી રોકાણનું સ્થળ એટલે ગોવિંદભાઇ સાહેબનું ઘર. પાટણ જિલ્લાના વર્ષો પહેલાં તૈયાર થયેલ મોટાભાગના વહિવટી પત્રકોના માન્ય નમૂના પણ તેમના દ્વારા તૈયાર થયેલ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા અખિલ ભારતિય પ્રાથમિક શિક્ષક સંઘમાં સક્રિય યોગદાન પણ આપી ચૂક્યા છે.આમ છતાં કોઇ શિક્ષકને સામાન્ય મુશ્કેલી પડી હોય તો પોતાના ઘરનું ભાડું ખર્ચી શિક્ષકની સાથે તેનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત કાર્યરત રહેવું એ તેમનો મૂળ સ્વભાવ.ગામમાં કોઇ દિકરી પરણિને સાસરે જતી હોય અથવા પોતાના પિયરમાં આવે તો ચોક્કસથી ગોવિંદભાઇ સાહેબને યાદ કરે. નોકરીના ગામ પ્રત્યે એટલી તો લાગણીથી જોડાઇ ગયા કે નિવ્રુત્તિ પછી પણ નોકરીના સ્થળને વતન બનાવી તે જ ગામમાં વસવાટ કરવા લાગ્યા. અત્યારે તો આ બાબત્ને કર્મભૂમિ પ્રત્યેની પરિકાષ્ઠા જ કહી શકાય. સાહેબના મૃત્યુના જ્યારે ગામમાં સમાચાર મળ્યા ત્યારે સમસ્ત સરિયદ ગામના વેપારીઓએ તથા લોકોએ એક દિવસ રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કરેલ હતો.ગામના લોકોએ બપોરે રસોડું પણ કર્યું ન હતું.
     એમના સત્કર્મો તથા નોકરી પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમના સંતાનોને પણ સમાજમાં સરળતાથી સફળતા મળે છે. આવા પિતાના પૂત્ર હોવાનું મને ગર્વ છે. આજે તેઓ અમારી વચ્ચે નથી પરંતું આજે 28 જુન તેમની જન્મજયંતી હોવાના કારણે તેમની વાત આપની વચ્ચે મૂકી રહ્યો છું.જીવનમાં તથા પોતાના કાર્યમાં.શ્રેષ્ઠતા સુધી પહોંચવા માટે સતત પરિશ્ર્મ કરવો પણ શ્રેષ્ઠતાનો એવોર્ડ ક્યારેય  ન લેવાની તેમની ટેક્ના  કારણે જ કહેવાઇ જાય “શિક્ષક અને સડક બેય સરખાં હોય છે પોતે ત્યાંના ત્યાંજ રહીને અનેકને મંજીલ સુધી પહોંચાડી દેતા હોય છે. “જ્યારે પણ આવા ગુરૂજીઓ વિશેની વાત લખાય છે ત્યારે ચોક્કસથી કહેવાઇ જવાય છે વાહ..... ગુરૂજી!!!!!
                                               - સંકલન:-મૌલિક પટેલ

Post a Comment

0 Comments