વાહ...... ગુરૂજી!!!!!!!!
વર્ગખંડ માં બાળરાજાઓ બીરાજમાન થયેલા છે. ગુરૂજી
બધા બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહ્યા છે. બધાજ બાળકોને પ્રેમથી પોતાની પાસે
બોલાવી નખ,વાળ,પગ પર થયેલા ગુમડાઓ તપાસી રહ્યા છે અને જરૂરી સુચનો કરે છે. એટલામાં
એક બાળક ગુરૂજી પાસે આવે છે. ગુરૂજી તેને માથામાં તેલ નાખીને વાળ ઓળવવાની સુચનાઓ
આપે છે, તો બાળક ની આંખોમાંથી અશ્રુની ધારાનો પ્રવાહ શરૂ થાય છે .ગુરૂજી બાળરાજાને
પ્રેમથી વત્સલતા સભર હાથ ફેરવી પૂચ્છા કરે છે તો બાળક જણાવે છે કે સાહેબ જો
માથામાં તેલ નાખું તો મારી મા શાક શાના વડે વઘારે!!!!!!!!!!!!!!!!!! .ગુરૂજીના
હૈયામાંથી મમતાનો ધોધ વછૂટી જાય છે ને તે બાળકની તમામ સામગ્રી પોતે પૂરી પાડશે એમ
મનોમન સંકલ્પ લે છે.( અત્યારે આ બાળક ગામનો પ્રતિષ્ઠિત નાગરીક ઉપરાંત આર.ટી.આઇ.એક્ટીવિસ્ટ
છે. ) ગુરૂજીનું નામ જગદિશભાઇ પરમાર .અત્યારે શંખેશ્વર સી.આર.સી. તરીકે કાર્ય કરે
છે. અને જ્યારની આ વાત છે ત્યારે તેઓ સાંતલપુર તાલુકાના વર્ણોસરી શાળામાં શિક્ષક
તરીકે સેવાકિય કાર્ય કરતા હતા.
જગદિશભાઇએ છેવાડાના પછાત ગામથી પોતાના વ્યવસાયીક
જીવનની શરૂઆત કરી .તેમના પ્રયત્નથી આ છેવાડાના સરહદી ગામના બાળકો જિલ્લા કક્ષાએ
રાસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવે છે. બાળકોને રાજ્ય કક્ષાએ અમદાવાદ લઇ જવામાં આવે છે ત્યારે બાળકો માટે આ પ્રથમ વખતની
લાંબા અંતર તથા શહેરની મુસાફરી હતી. અત્યારે પણ આ ઠાકોર તથા દરબાર લોકોની વસ્તી ધરાવતા ગામમાં જગદિશભાઇ આવે છે ત્યારે લોકો પોતાની વાતનો સૂર બદલી નાખે છે અને બીડી સંતાડી દે છે. કેટલાક લોકો જાણે પોતાના
ધર્મગુરૂ આવ્યા છે એવા ભાવથી તેમના ચરણોમાં માથું ઝુકાવે છે.
તમે ક્યારેય કોઇ શિક્ષકનું નામ ‘ રમકડું’ હોય
એવું સાંભળ્યું છે ?????? જગદિશભાઇને
બાળકો તથા જિલ્લાના શિક્ષકો રમકડાના ઉપનામથી ઓળખે છે. અને સાચે જ જગદિશભાઇનો
સ્વભાવ રમકડા જેવો છે. તેઓ જ્યારે વર્ગખંડમાં મુલાકાત માટે જાય છે ત્યારે તે વર્ગખંડના
બાળકો જાણે પોતાનું મનગમતું રમકડું પોતાને મળી ગયું હોય તેમ આનંદથી ઝુમી ઉઠે છે.
વાસ્તવમાં આ ઉપનામ જગદિશભાઇ વિનામૂલ્યે બહાર પાડતા પોતાના માસીક નું નામ છે પણ હવે
તેમનું ઉપનામ બની ગયું છે.આ જગદિશભાઇના
સ્વભાવની લક્ષણીકતા દર્શાવે છે. આ ઉપરાંત
જગદિશભાઇએ ગુજરાતી વિષય તથા સામાજિક વિજ્ઞાન વિષયના ૮૦ જેટલા એકમોનું નાટ્યીકરણ
કરેલ છે.અને બાળકો હાંશે હાંશે મૂલ્યલક્ષી શિક્ષણની સાથે સાથે એકમનું અધ્યયન કાર્ય
કરે છે.
આ ગુરૂજીના પ્રયત્નના કારણે શંખેશ્વર તાલુકાની
૨૦૦ નીચેની બાળકોની રજીસ્ટર સંખ્યા ધરાવતી
શાળાઓને શંખેશ્વરના ભામાશાઓ દત્તક લે છે. શાળાની તમામ જરૂરીયાતો પૂરી કરવા
કટીબધ્ધતા દર્શાવે છે.
ખરેખર
આવી શિક્ષણની ભેખ ધારણ કરેલ ગુરૂજીઓને મળવાનો અવસર મળે છે અને તેમના જીવન ચરીત્ર્ય
વિશે જાણવા મળે છે ત્યારે હૈયામાંથી નિકળી પડે છે વાહ.....ગુરૂજી!!!!!!!!
0 Comments