Subscribe Us

Header Ads

વાહ.... ગુરૂજી !!!!!!

પોતાને મળેલ જવાબદારીઓને ન માત્ર ફરજ સમજી પરંતું ઇશ્વરીય કાર્ય સમજી કરતાં ગુરુજીઓ અનેક લોકોના જીવનમાં પ્રકાશપુંજ બનતા હોય છે. પ્રાથમિક કેળવણીના પ્રવાસ દરમિયાન આપણને ક્યારેક એવા વ્યક્તિઓને મળવાનો અવસર પ્રાપ્ત થાય છે કે, ‘ જેઓના કાર્યોને આપણે નજર સમક્ષ જોઇએ ત્યારે, આપણા હ્રદયમાં કર્મનિષ્ઠ શિક્ષકત્વની પરાકાષ્ઠા અનુભવતું હોય તેવી ઉર્મિઓનું ઘોડાપૂર ઉત્પન્ન થાય છે.’ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 દરમિયાન પાટણ જિલ્લાની ભલગામ શાળામાં જવાનું થયું. કાર્યક્રમમાં એક વિશિષ્ટ કાર્ય કરતાં શિક્ષક ‘સ્પેશિયલ ઍડ્યુકેટર’ શ્રીમતી દામિનીબેન સાથે મુલાકાત થઇ. મિત્રો ! સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યના દરેક ક્લસ્ટરમાં એક વિશિષ્ટ શિક્ષક્ની પ્રતિનિયુક્તિ કરવામાં આવેલ છે. આ શિક્ષકોને ‘રીસૉર્સ ટીચર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિક્ષકો ક્લસ્ટરમાં આવેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિશેષ જરૂરિયાતવાળા વિધાર્થીઓ કે જેને આપણે સૌ ‘દિવ્યાંગ’ વિધાર્થી’ તરીકે ઓળખીએ છીએ, તેઓને વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ આપવાનું કાર્ય કરતાં હોય છે. શ્રીમતી દામિનીબેને જ્યારે ભલગામ શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે આવેલ અધિકારીશ્રીને એક દિવ્યાંગ વિદ્યાર્થીના ઘેર જવા માટે આમંત્રણ આપ્યું. અમે સૌ એક દીકરીના ઘેર ગયા. દીકરીની ઉંમર 25 વર્ષની છે. પ્રથમ નજરમાં જ દીકરીને જોતાંજ દરેક મુલાકાતીના હુદયમાં માતૃત્વની ઉર્મિઓ ઉભરાઇ ગઇ. આ દીકરી જન્મના છ માસથી અત્યાર સુધી પોતાની પીઠ પર સૂઇ શકી નથી, બેસી શકતી કે ઉભી થઇ શકતી નથી. માત્ર ને માત્ર પેટના સહારે 25 વર્ષથી એક ખાટલામાં જ સૂઇ રહી છે. આની તમામ જરૂરીયાતો અને દેહધાર્મિક ક્રિયાઓ પથારીમાં જ થાય છે. થોડાં સમય પહેલાં આ ગામમાં પણ કોઇ આ દીકરીને ઓળખતું પણ ન હતું. દીકરીએ પોતાના ઘરની આગળ રહેલી થોરની વાડ બહારની દુનિયા પણ નિહાળેલ હતી નહીં. પરંતું દામિનીબેને આ દીકરીનું સર્વે કરી હેન્ડ હોલ્ડિંગ કર્યું. આધારકાર્ડ નિકાળી આપવામાં મદદ કરી. બેંકના કર્મચારીઓને આ દીકરીના ઘેર બોલાવીને એકાઉન્ટ ખોલાવી આપાવ્યું. આ ઉપરાંત દીકરીને સમાજકલ્યાણ કચેરી તરફથી આપવામાં આવતાં ‘દિવ્યાંગ પેન્શન’ યોજનાનો લાભ પણ અપાવ્યો. જ્યારે અમે આ દીકરીના ઘેર મળવા ગયાં ત્યારે દામિનીબેનને જોઇને તે ખૂબ જ રાજી થઇ ગઇ. જાણે પોતાની મનગમતી બહેનપણી મળવા આવી હોય તેવો ઉમળકા અને હાસ્યના ભાવ તેના ચહેરા પર જણાતા હતા. તેણે બે હાથ જોડીને અસ્પષ્ટ ભાષામાં ‘આવો બહેન !’ કહી મીઠો અને પ્રેમાળ આવકાર આપ્યો. મિત્રો ! દામિનીબેન માટે આજે લખવાનું એટલા માટે ગમે છે કારણકે, આ બેનની મુખ્ય કામગીરી માત્ર શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટેની છે, પરંતુ પોતાનામાં રહેલ વિશિષ્ટ કૌશલ્યોને ઇશ્વરીય ફરજ અને પોતાની નૈતિક જવાબદારી સમજી વિસ્તારના તમામ ઉંમરના દિવ્યાંગ વ્યક્તિઓને સારવાર, સરકારી લાભો અને સાધન સહાય મળી રહે તથા આવા વ્યક્તિઓ સમાજના સામાન્ય વ્યક્તિઓ સાથે સહજતાથી અનુકૂલન સાધી સન્માન સાથે જીવન જીવી શકે તેવા ઉમદા પ્રયત્નો તેઓ સતત કરતાં આવ્યાં છે. લગભગ આ વિસ્તારના 30 ઉપરાંત આવાં ‘સ્કૂલીંગ પિરિયડ’ સિવાયના મોટી ઉંમરનાં વ્યક્તિઓને તેઓ નિસ્વાર્થ ભાવનાથી મદદ કરી રહ્યા છે. મિત્રો ! ઘણી વખત આપણે આપણી જ જવાબદારીવાળું કાર્ય કરવામાં આળસ અથવા આંખ મિંચામણાં કરતાં હોઇએ છીએ, ત્યારે આ દામિનીબહેન જેવા ગુરૂજીઓ રાજ્યમાં આવેલ એવાં કેટલાંયે ‘ અંધારા કૂબામાં રહેલ બાળકો અને લોકો માટે જીવનમાં પ્રકાશ તિમિર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતાં હોય છે.’ જ્યારે પણ આવા ગુરૂજીઓને પ્રત્યક્ષ મળવાનું થાય અને તેઓના કાર્યોને જોવાનો અવસર પ્રાપ્ત થાય છે, ત્યારે ચોક્કસથી હ્રદયવાણી સ્ફૂરી ઊઠે છે, વાહ... ગુરૂજી !!!!!! મૌલિક પટેલ સી.આર.સી.કો.ઓ.કુણઘેર તા.જી.પાટણ Mo. ૯૮૨૪૧૧૮૦૮૯ Email:mgpatelpatan@gmail.com

Post a Comment

0 Comments