Subscribe Us

Header Ads

ઘોડે ચડાવનાર બાપ મરજો, પણ નારોળ કપાવનાર મા ન મરજો!

 



ઘોડે
ચડાવનાર બાપ મરજો, પણ નારોળ કપાવનાર મા ન મરજો!

ગુજરાતી સાહિત્યની આ લોકપ્રિય ઉક્તિ આપણે સૌએ સાંભળી છે. આ જગતમાં માનું સ્થાન કોઈ લઈ શકતું નથી—એ હકીકત છે. મા એટલે આશ્રય, મા એટલે આત્મવિશ્વાસ, મા એટલે જીવનનું પહેલું અને છેલ્લું ઘર. પણ જ્યારે એ જ મા બાળકને છોડીને ચાલી જાય, ત્યારે સમાજની કરુણતા કેટલી ઊંડી હોય છે, એનો અનુભવ થાય છે.

થોડા સમય પહેલાં હું પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મકવાણા સાહેબની કચેરીમાં હતો. ત્યારે એક અસામાન્ય ઘટનાએ મને સમાજની વાસ્તવિકતા સામે ઊભો કરી દીધો.

પાટણ તાલુકાના એક સમૃદ્ધ ગણાતા ગામના આચાર્યશ્રી એક વિદ્યાર્થીના નામમાં પિતાના નામનો સુધારો કરાવવાની દરખાસ્ત લઈને કચેરીમાં આવ્યા હતા. વાત આ પ્રમાણે હતી—

વર્ષો પહેલાં આ વિદ્યાર્થીના પિતાનું બીમારીથી અવસાન થયું હતું. માતાએ શાળામાં પ્રવેશ અપાવતી વખતે પિતાના નામની જગ્યાએ પોતાનું નામ લખાવ્યું હતું. હવે છોકરો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્યારે માતા કોઈ સામાજિક પ્રસંગે સગાંના ઘેર ગઈ અને ત્યાંથી કોઈની સાથે ભાગી ગઈ. પોતાની દીકરીના આ કૃત્યથી તેના પિયર પક્ષે છાપામાં જાહેર ખબર અપાવી અને જાહેર જનતાને ચેતવણી આપી કે કોઈ જાતનો સંબંધ ન રાખવો.

જનની હોવા છતાં બાળક અનાથ બની ગયો. મામાના ઘેરથી પણ દ્વાર બંધ થયા. હવે એ છોકરો પોતાના પંચાસી વર્ષથી વધુ ઉંમરના અશક્ત અને જીર્ણ દાદા સાથે રહે છે. મધ્યાહ્ન ભોજન ખાય છે અને અન્યોની દયા-ઓશિયાળા નીચે જીવન જીવે છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે નામની પાછળ પિતાનું નામ હોવું જરૂરી છે, પરંતુ કાયદાની આંટીઘૂંટીને કારણે પિતાનું નામ બદલાવી શકાતું નથી.

જ્યારે આચાર્યશ્રીએ આ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું, ત્યારે સાહેબની આંખો ભીની થઈ ગઈ. તેમણે આત્મીયતાથી અને મક્કમ નિર્ણયથી કહ્યું કે બાળકને જાતે જ લાભ અપાવવા માટે તેઓ વિવિધ કચેરીઓમાં રૂબરૂ જઈને કાર્ય કરશે.

મિત્રો, સમાજજીવનનું સૌથી કરુણ ચિત્ર એ છે કે બાળ સુરક્ષા કચેરીમાં પાલક માતા-પિતાના ફોર્મ ભરાતા હોય છે, અને તેમાં સૌથી વધુ કિસ્સા એવા હોય છે કે જેમાં પિતાના મૃત્યુ પછી માતા બાળકોને તરછોડીને પુનર્લગ્ન કરી લે છે. ક્યાંક એવા કિસ્સાઓ પણ નજરે ચડે છે કે સમાજની આર્થીક પ્રગતિ એ માનવિય મૂલ્યોથી અંતરો વધારે હોય

સમાજ ગતિશીલ અને પ્રગતિશીલ બનવો જોઈએ. પણ જ્યારે એક બાળક પોતાની માતા હોવા છતાં અનાથ બની જાય, ત્યારે કેટલીક નિઃશબ્દ લાગણીઓ આપણને હચમચાવી મૂકે છે. મા અને બાપ એટલે માત્ર જન્મ આપનાર નહીં, પણ જીવનભર સંભાળનાર પણ હોવા જોઈએ. જ્યારે એ જવાબદારી છોડી દેવામાં આવે, ત્યારે સમાજની પ્રગતિનું માપકાંઠું શું રહે? સામજની પ્રગતિશીલતા એ અનાથાલયો અને વ્રુધ્ધાશ્રમો વધુ સંખ્યા નથી એ ક્યારે જાણીશું !!!!

આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે સાચી માનવતા એટલે માત્ર કાયદા કે યોજનાઓ નહીં, પણ હૃદયની કરુણા અને વ્યવહારિક સહાય. જો સમાજના દરેક વ્યક્તિ થોડી જવાબદારી ઉપાડે, તો કોઈ બાળકને “મા હોવા છતાં અનાથ” નીતિનું શિકાર ન બનવું પડે.

-     સંકલન:- મૌલિક પટેલ

 

Post a Comment

0 Comments